વિઘ્નરાજ પંચક
મહીં મૂળપદ્મે ; વસે વક્રતુંડ,
વસે બીજે; લંબોદર યોગકુંડ. (૧)
વળી વલ્લભેષ; સ્થિત વહ્નીપીઠે,
હરી સંકટો ;સંકટહર દિશે . (૨)
વસે નિત્ય હેરંબ; ચક્રે વિશુદ્ધે,
હરિદ્રા વસે; નીત ચક્ષુની મધ્યે . (૩)
સૌથી પરે રાજે; ઉચ્છિષ્ટ એમ,
સ્થિત સ્વાનંદેવ; નિત્ય પરોપરેવ.(૪)
પ્રીતિ સુજાણી ;કહયા તુજ નામો,
વસુસંખ્ય જાણી; તવ ભક્તિ ને પામો. (૫)
ભક્તિ અખંડ; ધરી ધ્યાન રાખી,
સ્મરે ' કનાથ'; વિઘ્નરાજ ઝાંખી .(૬)
પ્રાસ્તાવિક
ગણપતિ સંપ્રદાય
એ ભારતીય આસ્તિક પરંપરાની અતિ પ્રાચીન અને સર્વસ્વીકૃત ઉપાસના ધારા છે, જ્યાં
બ્રહ્મતત્ત્વને આદ્ય અને અનાદિ તત્ત્વ તરીકે ગણેશ સ્વરૂપે સ્વીકારવામાં આવ્યું છે.
મુદ્ગલ પુરાણ અને ગણેશ પુરાણ આ બંને આ સંપ્રદાયના પ્રમાણભૂત ગ્રંથો છે, જે ગણેશ
તત્ત્વને કેવળ વિઘ્નહર્તા દેવતા તરીકે નહીં પરંતુ સૃષ્ટિના મૂળ કારણ, પરબ્રહ્મ તરીકે
પ્રતિષ્ઠિત કરે છે. મૂળ છ પદી રચના જેને
વિઘ્નરાજ પંચક નામ આપ્યું છે તે આ જ દાર્શનિક ભૂમિકા પર રચાયેલી એક યોગપરક
સ્તુતિ છે, જેમાં બાહ્ય
ઉપાસના સાથે સાથે આંતર યોગની સૂક્ષ્મ પ્રક્રિયાને અત્યંત સંકેતમાં સમાવી લેવામાં
આવી છે. રચનાનો પ્રત્યેક શબ્દ યોગશાસ્ત્ર અને ગાણપત્ય દર્શનના સંધિસ્થાને ઉભો છે, તેથી તેના પર
વિસ્તૃત ચિંતન કરવું એ આવશ્યક બની રહે છે.
૧. મૂલાધારથી સહસ્ત્રાર સુધીની યાત્રા - ગણપતિના અષ્ટ
સ્વરૂપોનું રહસ્ય
આ રચનામાં
ગણપતિના આઠ નામોનું સ્મરણ છે, જે શરીરસ્થ ષટ્ચક્રો અને તેનાથી પર એવા સહસ્ત્રારમાં તેમના
સ્થાનને નિર્દેશ કરે છે. સામાન્ય રીતે ભક્ત મૂર્તિને બહાર મંદિરમાં જુએ છે, પરંતુ યોગી તે જ
મૂર્તિને પોતાના દેહમાં, પ્રાણના કેન્દ્રોમાં શોધે છે. દેહ એ જ દેવાલય છે અને ચક્રો
તેના ગર્ભગૃહ છે એવી આ સંપ્રદાયની દ્રષ્ટિ છે.
પ્રથમ પદ :
મહીં મૂળપદ્મે ; વસે વક્રતુંડ, વસે બીજે; લંબોદર યોગકુંડ.
આ પંક્તિમાં બે
ચક્રો અને બે ગણપતિ સ્વરૂપોનો નિર્દેશ છે.
મહી મૂળપદ્મે વસે વક્રતુંડ: મહી એટલે આધાર, પૃથ્વી તત્વ, આપણા
કરોડરજ્જુના મૂળમાં આવેલું મૂલાધાર ચક્ર જે ચાર પાંખડીનું પદ્મ છે. અહીં વક્રતુંડ
નિવાસ કરે છે. મુદ્ગલ પુરાણના પ્રથમ ખંડમાં વક્રતુંડ અવતારનું વર્ણન આ પ્રમાણે છે –
મત્સર એટલે
ઈર્ષ્યા, જે માનવ ચેતનાનો
સૌથી નિમ્ન અને પાયાનો વિકાર છે જે પૃથ્વી તત્વ સાથે જોડાયેલો છે. જ્યાં સુધી સાધક
આ મત્સર ભાવને જીતતો નથી ત્યાં સુધી તેની યોગયાત્રા શરૂ થતી નથી, તેથી જ ગણેશનું
પ્રથમ સ્થાન મૂલાધારમાં કહ્યું છે.
‘વસે બીજે લંબોદર યોગકુંડ‘
,બીજું એટલે સ્વાધિષ્ઠાન ચક્ર, જે છ પાંખડીનું અને જલ તત્વનું સ્થાન છે.
યોગકુંડ એટલે યોગીઓનું જે હવનકુંડ છે, જ્યાં કામનાઓની આહુતિ અપાય છે. અહીં લંબોદર વસે છે. લંબોદર
એટલે જેનું ઉદર લાંબુ અને વિશાળ છે, જેણે સમગ્ર સૃષ્ટિને પોતાના ઉદરમાં ધારણ કરી છે.
દ્વિતીય પદ :
વળી વલ્લભેષ; સ્થિત વહ્નીપીઠે,
હરી સંકટો ;સંકટહર દિશે.
'વલ્લભેષ સ્થિત વહ્નીપીઠે' વહ્નીપીઠ એટલે અગ્નિનું
સ્થાન, નાભિ પ્રદેશમાં
આવેલું દશ દલનું મણિપુર ચક્ર. વહ્નિ એટલે અગ્નિ, જે અન્નનું પાચન કરે છે, વિચારોનું પાચન કરે છે અને જીવનને તેજ આપે
છે. અહીં વલ્લભેશ એટલે વલ્લભા સહિત ગણપતિ, શક્તિ સાથેનો ગણેશ વસે છે. ગણેશ પુરાણમાં કહ્યું છે –
‘હરી સંકટો સંકટહર દિશે’ સંકટહર એ
ગણપતિનું ચોથું સ્વરૂપ છે જેનું સ્થાન અનાહત ચક્ર છે, જે હૃદય
પ્રદેશમાં બાર પાંખડીનું કમળ છે અને જેની દિશા અનાહત નાદ તરફ છે. અહીંથી સાધકને
પ્રથમ વખત ઈશ્વરની અનુભૂતિનો સ્પર્શ થાય છે. સંકટ એટલે હૃદયની ગ્રંથિ, ભય, શોક અને આસક્તિ.
જ્યારે હૃદય શુદ્ધ થાય છે ત્યારે આ બધા સંકટો હરાય છે.
તૃતીય પદ :
વસે નિત્ય હેરંબ; ચક્રે વિશુદ્ધે,
હરિદ્રા વસે; નીત ચક્ષુની
મધ્યે.
‘વસે નિત્ય હેરંબ ચક્રે વિશુદ્ધે ‘કંઠ પ્રદેશમાં
આવેલું સોળ દલનું વિશુદ્ધ ચક્ર, જ્યાં વાણી શુદ્ધ થાય છે અને જ્યાં અહંકાર ગળી જાય છે. અહીં
હેરંબ ગણપતિ નિત્ય નિવાસ કરે છે. હેરંબ એટલે દીનજનોની રક્ષા કરનાર, માતાની નજીક
રહેનાર પુત્ર. વિશુદ્ધ ચક્રમાં સાધકની વાણી સિદ્ધ થાય છે, તે જે બોલે છે
તે સત્ય થાય છે,
તેથી અહીં
માતા ના પુત્ર હેરંબનું સ્થાન અત્યંત ઉચિત છે.
‘હરિદ્રા વસે નીત ચક્ષુની મધ્યે ‘નીત એટલે કાયમ , બે ચક્ષુની
વચ્ચે, ભ્રમધ્યમાં
આવેલું બે દલનું આજ્ઞા ચક્ર. અહીં હરિદ્રા ગણપતિ વસે છે. હરિદ્રા એટલે હળદરના
વર્ણવાળા, પીત વર્ણના
ગણપતિ. આ ચક્ર ગુરુનું સ્થાન છે, અહીંથી પરા શક્તિનું શાસન શરૂ થાય છે. યોગશાસ્ત્ર કહે છે કે
જ્યાં સુધી ચિત્ત આજ્ઞા ચક્રમાં સ્થિર નથી થતું ત્યાં સુધી જીવ દ્વૈતમાં ભટક્યા
કરે છે.
ચતુર્થ પદ :
સૌથી પરે રાજે; ઉચ્છિષ્ટ એમ,
સ્થિત સ્વાનંદેવ; નિત્ય પરોપરેવ.
આ પંક્તિ
સહસ્ત્રારનું વર્ણન કરે છે જેને શાસ્ત્રોમાં પર અને પરોપર કહ્યું છે. આ ચક્ર દલોથી
પર છે, તે હજાર
પાંખડીનું સહસ્ત્રદલ કમળ છે અને તે મસ્તકના શિખર પર છે.
અહીં બે ગણપતિ
રાજે છે. ઉચ્છિષ્ટ ગણપતિ અને સ્વાનંદેશ ગણપતિ. ઉચ્છિષ્ટ શબ્દનો
સ્થૂળ અર્થ લોકો એઠું કરે છે, પરંતુ તંત્રમાં તેનો અત્યંત ગૂઢ અર્થ છે. ઉચ્છિષ્ટ એટલે જે
ખાઈ લીધા પછી વધે છે, જેનો કદી ક્ષય નથી થતો. સમગ્ર સૃષ્ટિનું ભક્ષણ કર્યા પછી પણ
જે તત્ત્વ વધે છે, જે શેષ રહે છે તે પરબ્રહ્મ છે અને તે જ ઉચ્છિષ્ટ ગણપતિ છે.
તે અત્યંત ઉગ્ર અને તીવ્ર ગણાય છે કારણ કે તે દ્વૈતના ભેદને સંપૂર્ણપણે ખાઈ જાય
છે.
અને બીજા છે
સ્વાનંદેશ. સ્વાનંદ એટલે આત્માનો પોતાનો આનંદ, જે બહારના કોઈ વિષય પર આધારિત નથી.
સહસ્ત્રારમાં જ્યારે કુંડલિની પહોંચે છે ત્યારે સાધકને જે આનંદ મળે છે તેને
સ્વાનંદ કહે છે અને તે આનંદના અધિપતિ સ્વાનંદેશ છે.
આમ મૂલાધારથી
સહસ્ત્રાર સુધીની આઠ સ્થિતિઓમાં આઠ ગણપતિની યાત્રા પૂર્ણ થાય છે.
૨. ગણેશ તત્વનું દાર્શનિક સ્વરૂપ
ગણપતિને પ્રણવ
સ્વરૂપ કહ્યા છે. ગણેશાથર્વશીર્ષમાં સ્પષ્ટ કહ્યું છે -
તેથી જ્યારે
સાધક બહાર ગણપતિની પૂજા કરે છે ત્યારે ખરેખર તે પોતાની અંદર રહેલા આત્મતત્વની જ
પૂજા કરી રહ્યો હોય છે. વિઘ્નો બહાર નથી, વિઘ્નો ચક્રોમાં રહેલી ગ્રંથિઓ છે. મૂલાધારમાં આળસ અને
જડતાનું વિઘ્ન,
સ્વાધિષ્ઠાનમાં
વાસનાનું વિઘ્ન,
મણિપુરમાં
તૃષ્ણાનું વિઘ્ન,
અનાહતમાં
મોહનું વિઘ્ન,
વિશુદ્ધમાં
અસત્યનું વિઘ્ન અને આજ્ઞામાં અહંકારનું વિઘ્ન. આ દરેક વિઘ્નને તે તે ચક્રમાં રહેલા
ગણપતિ જ હરે છે,
તેથી
તેનું નામ વિઘ્નરાજ છે.
૩. ઉપસંહાર :અંતિમ બે પંક્તિનો મર્મ
પ્રીતિ સુજાણી ;કહયા તુજ નામો,
વસુ સંખ્ય જાણી;તવ ભક્તિ ને
પામો.
ભક્તિ અખંડ; ધરી ધ્યાન રાખી,
સ્મરે ' કનાથ'; વિઘ્નરાજ ઝાંખી.
વસુ સંખ્યા એટલે
આઠ, કારણ કે વસુઓ આઠ
છે. તમે આઠ નામો પ્રીતિપૂર્વક કહ્યા છે અને તેના દ્વારા ભક્તિને પામવાની વાત કરી
છે. આ જ ગાણપત્ય સંપ્રદાયનો સાર છે કે જ્ઞાન કે યોગ એકલા પૂરતા નથી, પ્રીતિ વિના
એટલે કે પ્રેમલક્ષણા ભક્તિ વિના ચક્રભેદન શક્ય નથી. અને અંતે કહે છે કે હું ‘ક’નાથ એટલે કે દીન જીવ, અખંડ ધ્યાન ધરીને વિઘ્નરાજની ઝાંખીને સ્મરું
છું.
ઝાંખી શબ્દ
અત્યંત સુંદર છે. પરમ તત્વની કદી પૂર્ણ પ્રાપ્તિ થતી નથી, તેની માત્ર
ઝાંખી જ થાય છે,
અને તે
ઝાંખી પણ સ્મરણ દ્વારા ટકી રહે છે. આ જ ભક્તિની પરાકાષ્ઠા છે.
.
॥ શ્રી ગણેશાર્પણમસ્તુ ॥